સરકારી કચેરીઓ ખુલ્લી રાખવાના આદેશ છતાં બંધ રહેતાં મામલતદારે ખુલાસો માંગ્યો

  • કોરોના મહામારીમાં અધિકારી જ આદેશનો અનાદર કરે છે
  • બહુચરાજી તાલુકા પંચાયત કચેરી શનિવારે બંધ હતીઃ પ્રાંત અધિકારીએ અહેવાલ માંગતા મામલતદારે પગલુ ભર્યું

ચાણસ્મા,તા.25 એપ્રિલ 2020, શનિવાર

કોરોનાની મહામારીને લઉતાલુકા પંચાયત, મામલતદાર સહિતની સરકારી કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ખુલ્લી રાખવાની હોવાછતાં બહુચરાજી તાલુકા પંચાયત કચેરી આજે શનિવારે બંધ જોવા મળી હતી. કોરોના જેવી વૈશ્વિકમહામારીમાં આ બાબત અતિગંભીર હોઈ ઈન્સીડેન્ટ કમાન્ડર-વ-મામલતદારે તાલુકા વિકાસ અધિકારીને લેખિતપત્ર કરી આ અંગે ખુલાસો માંગ્યો હતો.

હાલમાં કોરોના વાયરસની મહામારીને કારણે બહુચરાજી તાલુકો ગ્રામ્ય વિસ્તાર હોવાથી તાલુકા પંચાયત કચેરી જાહેરરજાના દિવસે પણ ખુલ્લી રાખવાની હોવાછતાં એપ્રિલ માસમાં જાહેરરજાના દિવસોએ તા.પં. કચેરી બંધ રહી હતી અને આજે શનિવારે પણ બંધ હતી. જે અંગે પ્રાંત અધિકારીએ અહેવાલ મંગાવતા ઈન્સીડેન્ટ કમાન્ડર-વ-મામલતદારે લેખિત ખુલાસો પુછ્યો છે. લોકડાઉનમાં લોકોને કોઈ હાડમારી વેઠવી ન પડે અને ખાસકરીને રોજીરોટી ગુમાવનાર ગરીબોને રેશન અને સરકારી સહાયથી વંચિત ન રહે તે માટે સરકારે જાહેર કરેલ અનાજ અને નાણાં લાભાર્થી સુધી પહોંચે તે હેતુથી તાલુકા પંચાયતના કર્મચારીઓને ફરજ સોંપાઈ હતી. પરંતુ મનરેગાના કામો શરૃ કરવા માટે આ કર્મચારીઓને ઈન્સીડેન્ટ કમાન્ડર-વ-મામલતદાર સાથે કોઈપણ જાતની ચર્ચા વિના લેખિત હુકમ કરી દેતાં આ કર્મચારીઓ શનિવારે ફરજ પરગેરહાજર હતો. પરિણામો તેમને સોપેલી કામગીરી અટકી ગઈ હતી. આ બાબતે કોઈ ધ્યાન દોરવામાં આવ્યું ન હોઈ મામલતદારે તાલુકા વિકાસઅધિકારી બહુચરાજીને લેખિતપત્ર કરી આ બાબતે તાત્કાલિક ખુલાસો પુછ્યો છે. જેનો અહેવાલ પ્રાંત અધિકારીને કડીને મોકલવાનો હોઈ તુરંત જવાબ કરવા કહેવાયું છે.