સંઘર્ષ સામે લડીને ઈરફાન ખાન ટોચ પર પહોંચ્યા હતાં, ક્રિકેટર બનવું હતું પણ એક્ટર બની ગયા હતાં

સંઘર્ષ સામે લડીને ઈરફાન ખાન ટોચ પર પહોંચ્યા હતાં, ક્રિકેટર બનવું હતું પણ એક્ટર બની ગયા હતાં

મુંબઈ. ઈરફાન ખાને બોલિવૂડ જ નહીં હોલિવૂડમાં પણ પોતાના અભિનયની અમીટ છાપ મૂકી છે. તેમણે પોતાના અભિનયથી દરેક વર્ગના દર્શકોને પ્રભાવિત કર્યાં છે. ઈરફાનનો જન્મ રાજસ્થાનના મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો હતો. છેલ્લાં કેટલાંય સમયથી તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ઈરફાન ખાનના અચાનક નિધનથી માત્ર ચાહકો જ નહીં બોલિવૂડને પણ ઘેરો આઘાત લાગ્યો છે

રાજસ્થાનમાં જન્મ
ઈરફાન ખાનનો જન્મ 1967માં સાત જાન્યુઆરીએ રાજસ્થાનમાં થયો હતો. ઈરફાનનો પરિવાર ટોંકના નવાબી ખાનદાન સાથે સંબંધ ધરાવતો હતો. તેમનું નાનપણ ટોંકમાં જ પસાર થયું હતું. તેમનું પૂરું નામ સાહબઝાદે ઈરફાન અલી ખાન હતું.

પિતા બ્રાહ્મણ કહીને ચીડવતા
ઈરફાન ખાનનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હોવા છતાં તેઓ શાકાહારી હતી. તેમના પિતા ટાયરનો બિઝનેસ કરતાં હતાં. પઠાણ હોવા છતાંય ઈરફાન પરિવારમાંથી એક માત્ર એવા વ્યક્તિ હતાં, જે માંસાહાર કરતાં નહોતાં. આથી જ ઈરફાનના પિતા એમ કહીને ચીડવતા કે મુસ્લિમ પરિવારમાં બ્રાહ્મણનો જન્મ થયો છે.

ક્રિકેટરને બદલે એક્ટર બન્યા
ઈરફાન ખાન નાનપણમાં ક્રિકેટર બનવા ઈચ્છતા હતાં. નાનપણમાં તેઓ સ્ટેડિયમમાં જઈને ક્રિકેટ રમતા હતાં. તેમને સ્કૂલે જવાનું બિલકુલ ગમતું નહોતું. ક્રિકેટની પ્રેક્ટિસમાં દિવસ પસાર કરતા હતાં. ઈરફાન ખાનની પસંદગી સીકે નાયડુ ટ્રોફી માટે થઈ હતી પરંતુ પૈસાની તંગી અને પરિવારજનોની નામરજીને કારણે તેઓ ક્રિકેટર બની શક્યા નહીં. પિતાએ ફેમિલી બિઝનેસમાં જોડાઈ જવાનો આગ્રહ કર્યો હતો. જોકે, ઈરફાનને આ મંજૂર નહોતું અને તેથી જ તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામમાં જવાનું નક્કી કર્યું હતું.

આ રીતે NSDમાં પસંદગી થઈ હતી
અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ ઈરફાન ખાને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં એડમિશન માટે અપ્લાય કર્યું હતું. પહેલીવારમાં તેમને લાગતું હતું કે એડમિશન મળશે નહીં પરંતુ તેમને એડમિશન મળી ગયું હતું. જોકે, ઈરફાને અહીંયા એડમિશન લેવા માટે ખોટું બોલ્યા હતાં. આ સંસ્થામાં એડમિશન લેવા માટે ઓછામાં ઓછા 10 નાટકોમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. જોકે, ઈરફાન પાસે આટલો અનુભવ હતો નહીં. આ સમયે તેમણે પોતાની રીતે નાટકોના નામ ગણાવી દીધા હતાં અને ટીચર્સને તેમની વાત પર વિશ્વાસ પણ બેસી ગયો હતો. ઈરફાન ખાનની અભિનય કરતી આંખો તથા બૉડી લેંગ્વેજથી જ ટીચર માની ગયા હતાં.

અભ્યાસ દરમિયાન જ પિતાનું નિધન
ઈરફાન ખાન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતાં અને તેમના પિતાનું નિધન થયું હતું. પિતાનું અવસાન થતાં ઈરફાનને પૈસા મળવાના બંધ થઈ ગયા હતાં. આ સમયે તેમણે NSDમાંથી મળતી ફેલોશિપની મદદથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.

હાઈટને કારણે રોલ ના મળ્યો
1988માં ઈરફાનને મીરા નાયરની ફિલ્મ ‘સલામ બોમ્બે’ મળી હતી. આ ફિલ્મથી ઈરફાને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેમને એક સ્ટ્રીટ કિડનો રોલ મળ્યો હતો. મીરા નાયરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જઈને ઈરફાનની પસંદગી કરી હતી. મીરા નાયર જ્યારે પહેલી જ વાર ઈરફાનને મળ્યાં ત્યારે તેમને એક્ટરના ફોકસ તથા ગજબનો લુક પસંદ આવી ગયો હતો અને તેમણે તરત જ ઈરફાનની પસંદગી કરી લીધી હતી. તો સામે ઈરફાન પણ એ વાતથી ખુશ હતાં કે હજી અભ્યાસ પૂરો પણ નથી થયો અને તેમને કામ કરવાની તક મળી. તેઓ તરત જ મુંબઈ જવા રવાના થયા અને ફિલ્મ સાથે જોડાયેલી વર્કશોપમાં ભાગ લેવા લાગ્યા. જોકે, વર્કશોપ દરમિયાન મીરા નાયરને એ વાતનો અહેસાસ થયો કે ઈરફાન ખાન કોઈ પણ રીતે સ્ટ્રીટ કિડ જેવા લાગ્યા નહીં. આ રોલ માટે તેમની હાઈટ બરોબર નહોતી અને તેથી જ ઈરફાનને આ રોલ મળ્યો નહીં. જોકે, આ ફિલ્મમાં ઈરફાનને એક નાનકડો રોલ મળ્યો હતો. જોકે, તેની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી હતી. ઈરફાને આ અંગે પછીથી કહ્યું હતું કે આ ઘટના બાદ તેમને એ વાતની જાણ થઈ કે તે હવે કંઈ પણ સહન કરી શકે છે અને ગમે તેવી પરિસ્થિતિ માટે તૈયાર હતાં.
ટીવીમાં કામ કરવાની શરૂઆત કરી
ઈરફાન ખાને કરિયરની શરૂઆતમાં ટીવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. તેમણે ‘શ્રીકાંત’થી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે  ‘ભારત એક ખોજ’, ‘ચાણક્ય’, ‘ચંદ્રકાંતા’, ‘સારા જહાં હમારા’, ‘બનેગી અપની બાત’, ‘અનૂગૂંજ’, ‘જય હનુમાન’, ‘શશશ…કોઈ હૈં’ જેવી ઘણી સિરિયલ્સમાં કામ કર્યું હતું. જોકે, તેમને આ સિરિયલ્સથી ખાસ અલગ ઓળખ મળી નહોતી. ત્યારબાદ તેમણે હિંદી સિનેમામાં કામ કરવાની શરૂઆત કરી હતી.

આસિફ કાપડિયાની ફિલ્મમાં જોવા મળ્યાં
90ના દાયકામાં ઈરફાન ખાને ઘણી ફિલ્મમાં કામ કર્યું પરંતુ તેઓ લોકપ્રિય બન્યા નહોતાં. તેમના અભિનયની આગવી ઓળખ બની શકી નહોતી. વર્ષ 2001માં લંડન સ્થિત ડિરેક્ટર આસિફ કાપડિયાની ફિલ્મ ‘ધ વૉરિયર’માં ઈરફાન ખાને કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ ઈરફાન થોડાં લોકપ્રિય બન્યા હતાં. જોકે, વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘મકબૂલ’થી ઈરફાનને અસલી ઓળખ મળી હતી. આ ફિલ્મથી તેમની અભિનય કળાના વખાણ થયા હતાં. આ ફિલ્મમાં તેમની સાથે તબ્બુ હતી. આ ફિલ્મ બાદ તેમને હોલિવૂડ સહિતની અનેક બોલિવૂડ ફિલ્મ કરી હતી. ‘રોગ’, ‘લાઈફ ઈન મેટ્રો’, ‘સ્લમડોગ મિલિયોનર’, ‘પાન સિંહ તોમર’, ‘ધ લંચ બોક્સ’, ‘લાઈફ ઈન પાઈ’, ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’, ‘યે સાલી જિંદગી’ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

શરૂઆતના સમયે વિલનના રોલ મળતા
ઈરફાન ખાને કહ્યું હતું કે તેમની કરિયરમાં સૌથી મોટો પડકાર તેમનો ચહેરો હતો. તેમણે એક જૂના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શરૂઆતમાં તેમનો ચહેરો જોઈને લોકો તેમને વિલનનો રોલ ઓફર કરતાં હતાં. જ્યાં પણ કામ માગવા જતા ત્યાં ડિરેક્ટર વિલનનો રોલ આપી દેતાં, જેને કારણે શરૂઆતમાં તેમણે નેગેટિવ રોલ જ કર્યાં હતાં. જોકે, દમદાર એક્ટિંગ તથા મહેનતને કારણે તેમણે આ પડકારને પણ ઝીલી લીધો હતો. તેમણે સ્મોલ બજેટ ફિલ્મમાં કામ કરીને આગવી ઓળખ બનાવી હતી.

હોલિવૂડમાં પણ કામ કર્યું
ઈરફાન ખાને હોલિવૂડમાં પણ કામ કર્યું હતું. તેમણે ‘સ્પાઈડર મેન’, ‘જુરાસિક વર્લ્ડ’, ‘ઈન્ફર્નો’, ‘ધ નેમસેક’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. હોલિવૂડ એક્ટર ટોમ હેંક્સે કહ્યું હતું કે ઈરફાનની આંખો અભિનય કરે છે.

વર્ષ 2013મા નેશનલ અવોર્ડ મળ્યો
ઈરફાન ખાનને ફિલ્મ ‘પાન સિંહ તોમર’ માટે વર્ષ 2013માં નેશનલ અવોર્ડ મળ્યો હતો. વર્ષ 2011માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યાં હતાં. ઈરફાનની અંતિમ રિલીઝ થયેલી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ હતી.

1995મા લગ્ન કર્યાં હતાં
ઈરફાન ખાને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની પોતાની ક્લાસમેટ સુતપા સિકંદર સાથે 1995માં લગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં બંનેના પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતાં પરંતુ પછી માની ગયા હતાં. ઈરફાનના સંઘર્ષના દિવસોમાં સુતપાએ સતત સાથ આપ્યો હતો. ઈરફાનને બે દીકરાઓ બાબિલ તથા અયાન છે.