
- દિવંગત ઈરફાન ખાને એક્ટિંગની એબીસીડી જયપુરના રવિન્દ્ર મંચમાં શીખી હતી, અહીંયા અનેક નાટક કર્યાં
- દિવ્ય ભાસ્કરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, મારું પહેલું નાટક ‘જલતે બદન’ હતું
મુંબઈ. એક્ટર ઈરફાન હવે નથી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 29 એપ્રિલના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. 54 વર્ષીય ઈરફાન ખાનને આંતરડાંનું ઈન્ફેક્શન તથા ટ્યૂમર હતું. તેઓ આંખોથી અભિનય કરતા હતાં. તેમણે અભિનય કરિયરની શરૂઆત જયપુરના રવિન્દ્ર મંચથી કરી હતી.
દિવ્ય ભાસ્કરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈરફાને કહ્યું હતું, હું એક દિવસ રવિન્દ્ર મંચની ઓફિસ ગયો હતો અને ત્યાં હાજર રહેલા લોકોને મેં કહ્યું હતું કે મારે નાટકમાં કામ કરવું છે. જવાબ મળ્યો કે આ તો ઓફિસ છે. અહીંયા નાટક થતા નથી. તમે નાટક મંડળીને મળો. પછી મેં નાટક મંડળીનો સંપર્ક કર્યો. અહીંથી મારા અભિનય સફરની શરૂઆત થઈ હતી. મારું પહેલું નાટક ‘જલતે બદન’ હતું.
જયપુરમાં અભ્યાસ
ઈરફાને શરૂઆતનો અભ્યાસ જયપુરમાં કર્યો હતો. તેમને અભ્યાસ બહુ ગમતો નહીં. પછી તેમનું ફોકસ અભિનય પર રહ્યું હતું. તેમના સાથી તથા સંબંધીઓના મતે તેઓ નાનપણથી શરમાળ હતાં.
જયપુરથી દિલ્હી અને પછી મુંબઈ ગયા, ઈરફાન સારા ક્રિકેટર પણ હતાં
- ઈરફાનનો જન્મ જયપુરના પઠાણ પરિવારમાં થયો હતો. મૂળ રીતે આ પરિવાર ટોંકના એક ગામમાં રહેતો હતો. જયપુરમાં નાટક શીખ્યા બાદ ઈરફાન દિલ્હી ગયા હતાં. અહીંયા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો અને પછી મુંબઈ ગયા હતાં.
- ઈરફાનને ક્રિકેટ રમવાનો શોખ હતો. તેઓ જયપુરમાં ક્રિકેટ રમતા હતાં અને તેમની પસંદગી સીકે નાયડુ ટ્રોફીમાં થઈ હતી. જોકે, પરિવારે ક્યારેય ક્રિકટેર તરીકે કરિયર બનાવવાની મંજૂરી આપી નહીં. તેઓ ક્રિકેટથી દૂર થયા અને થિયેટર સાથે જોડાઈ ગયા.
માતાએ અંગ્રેજી સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું
ઈરફાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘરમાં અભ્યાસને લઈ ઘણો જ ગંભીર માહોલ રહેતો. જયપુરમાં શરૂઆતનો અભ્યાસ સરકારી સ્કૂલમાં કર્યો હતો. જોકે, તેમની માતા હંમેશાંથી ઈચ્છતી કે તે અંગ્રેજી સ્કૂલમાં ભણે. આથી જ તેમને અંગ્રેજી મીડિયમમાં મૂકવામાં આવ્યા હતાં. શરૂઆતમાં તેમને અંગ્રેજી સમજવામાં તથા બોલવામાં તકલીફ થતી હતી. સ્કૂલમાં અંગ્રેજીમાં ના બોલે તો તેમને ઘણીવાર સજા પણ થતી હતી.