સુરત: સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસવાળા લિંબાયતમાં લોક ડાઉનના ધજાગરા ઉડ્યા

  • સુરતના 50 ટકા જેટલા કોરોના દર્દી છે તેવા વિસ્તારમાં લઘુમતિઓ ખરીદ માટે નિકળી પડતાં હવે સંક્રમણ વધુ ફેલાય તેવી ભીતી
  • સામાન્ય દિવસની જેમ ખરીદી માટે ટોળે ટોળા નીકળી પડ્યા

સુરત, તા. 26 એપ્રીલ 2020, રવિવાર

સુરતમાં કોરોનાના કુલ કેસના ૫૦ ટકા કેસ છે તેવા લિંબાયત વિસ્તારમાં આજે લોક ડાઉનના લીરેલીરા ઉડી ગયાં હતા. સમાન્ય દિવસો હોય તેમ લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં લઘુમતિ સ મજના લોકો ખરીદી માટે નિકળી પડયા હોય તેવા દ્રષ્યો બહાર આવતા તંત્ર ચોકી ઉઠયું છે.

જોકે, આવા જ પ્રકારના દ્રષ્યો કાલે નવસારી બજારમાં પણ હોવાની ફરિયાદ ઉઠી હતી. કોરોના ગ્રસ્ત એવા રેડ ઝોન અને ક્લસ્ટર વિસ્તારમાં જ  સોશ્યલ ડિસ્ટન્સનો છડેચોક ભંગના કારણે હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરતમાં 500 કોરોના પોઝીટીવ કેસ છે તેમાંથી 203 જેટલા કેસ માત્રને માત્ર લિંબાયત વિસ્તારમાં છે જ્યારે 80થી વધુ કેસ સેન્ટ્રલ ઝોનમાં છે. આ  બન્ને  વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું મ્યુનિ. તંત્ર કહે છે.  મ્યુનિ. કમિશશ્નરે હવે સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કડકાઈથી કરવાની વાત કરી હતી પરંતુ  આજે લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં તેનાથી વિપરિત દ્રષ્યો જોવા મળ્યા હતા.

આજે લિંબાયતના મદીના મસ્જીદ તથા અન્ય વિસ્તારમાં જાણે કોરોના કે લોક ડાઉન  નહીં હોય તેમ 200થી વધુ કેસ  હોવા છતાં લઘુમતિના ટોળે ટોળા ખરીદી માટે નિકળી  પડયાં હતા. સંખ્યાબંધ લોકો કોઈ પ્રકારના સોશ્યલ ડિસ્ટન્સ વિના જ દેખાતા તંત્રની ઉંઘ ઉડી ગઈ હતી. મોટી સંખ્યામાં લિંબાયતમાં લોકો લોક ડાઉનનો ભંગ કરીને બહાર આવ્યા હોવાથી આગામી દિવસોમાં આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહે તેવી શક્યતા વધી રહી છે.

લિંબાયત ઉપરાંત ગઈકાલે  બીજા નંબરના સૌથી વધુ કેસ છે તેવા સેન્ટ્રલ ઝોનના નવસારી બજારમાં પણ લઘુમતિ વિસ્તારમાં લોકોના ટોળા સાંજે નિકળી પડયાં હતા. જેના કારણે ગીચ વસ્તી ધરાવતાં  સેન્ટ્રલ ઝોનના આ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ વધી જાય તેવી ભીતી જોવા મળી રહી છે. લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને લોક ડાઉન તોડી રહ્યાં છે  જેના કારણે સુરતમાં આગામી દિવસોમાં સ્થિતિ બગડી રહે તેવી શક્યતા વધી રહી છે.

  • આવા વિસ્તારમાં સંપુર્ણ કરફ્યુની માગણી

સુરતના સૌથી વધુ કેસ છે તેવા લિંબાયત, સેન્ટ્રલ ઝોન અને રાંદેર વિસ્તારમાં લોક ડાઉનનો ભંગ અનેક વખત જોવા મળ્યો છે. આ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ વિના અનેક વખત લોકો મોટી સંખ્યામાં બહાર નિકળતા હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોલીસ  પાલિકા કે મ્યુનિ.તંત્રએ આવા લોકો સામે આકરા પગલાં ન ભરતાં કાયદો તોડનારાને પ્રોત્સાહન મળી રહ્યું છે. લોક ડાઉન તોડનારા સામે આકરી કામગીરી ન થતાં સેન્ટ્રલ ઝોન અને લિંબાયતમાં આખા સુરતના આરોગ્યને નુકસાન થાય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યાં છે.

જ્યારે 98 ટકા લોકો લોક ડાઉન અને સોશ્યલડિસ્ટન્સનો અમલ કરી રહ્યાં છે ત્યારે વારંવાર લોક ડાઉન તોડતા વિસ્તારમાં લોક ડાઉન નહીં પરંતુ મીલીટ્રી સાથે કરફયુ મુકવો જોઈએ તેવી માગણી લોકો જ કરી રહ્યાં છે. 30 દિવસ કરતાં વધુના લોક ડાઉન અને મ્યુનિ.ના આરોગ્ય વિભાગની મહેનત પર ગણ્યા ગાંઠયા લોકો પાણી ફેરવતાં હોય ત્યારે આવા લોકોને અંકુશમાં લાવવા માટે કરફ્યુ જ મુકવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.