કાશ્મીરનાં કુલગામમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર માર્યા, એક મેજર ઘાયલ

શ્રીનગર, 26 એપ્રિલ 2020 રવિવાર

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી સફળતા મળી છે. તેઓએ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.

રવિવારે સાંજે કુલગામ જિલ્લાના ગુદર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તે જ સમયે, એક મેજર ઘાયલ થઇ ગયા.

એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સતત ફાયરિંગ થયું. સુરક્ષા દળોએ પહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા. તે પછી પણ બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો.

સુરક્ષા દળોને આ વિસ્તારમાં છુપાયેલા વધુ બે આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારબાદ વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના રોગચાળા વચ્ચે પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ છે. ખીણમાં અવારનવાર એન્કાઉન્ટર થતા રહે છે.

ગતરોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. મૃત્યુ પામેલા ત્રણ આતંકીઓમાંથી એક અગ્રણી આતંકવાદીનો સહયોગી હોવાનું કહેવાતું હતું, જ્યારે અન્ય બે આતંકવાદીઓની હાલમાં ઓળખ થઇ શકી નથી.

પોલીસ સૂત્રોને બાતમી મળી હતી કે અવંતિપોરાના ગોરીપોરા વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આ માહિતીના આધારે તેઓએ આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો હતો.

સુરક્ષા જવાનોએ ચારે બાજુથી વિસ્તારને ઘેરી લીધો અને એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. બંને તરફથી ફાયરિંગ ચાલુ જ રહ્યું અને આખરે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.