
- કેન્દ્ર સરકારના સરવેમાં 6 જિલ્લાનાં વૃક્ષો લોકેટ થયાં, ભરૂચ જિલ્લાના અંદાજે 125 વર્ષ જૂનાં 6 વૃક્ષો નોંધાયાં
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા વર્ષ 1930માં યોજવામાં આવેલી અમદાવાદના સાબરમતીથી દાંડી સુધીની દાંડીયાત્રા દરમિયાન જે વૃક્ષો નીચે સભા સંબોધી હતી તે વૃક્ષોને હેરિટેજ વૃક્ષો તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન પહેલાં સરવે કરાવાયો હતો.
દાંડીયાત્રાના સમગ્ર રૂટના 6 જિલ્લાનાં 19 વૃક્ષો લોકેટ કરવામાં આવ્યાં છે. જે પૈકી વડોદરા નજીક આવેલા ભરૂચ જિલ્લાનાં ગામો અને વૃક્ષની તપાસ કરવાની જવાબદારી ભરૂચ જિલ્લાના જંગલ ખાતાને સોંપવામાં આવી હતી. જંગલ ખાતા દ્વારા વિવિધ ગામોનાં 6 વૃક્ષ અને રાત્રી રોકાણ કરેલું એક મકાન શોધી ડોક્યૂમેન્ટ તૈયાર કરવામાં આવ્યાં છે.
આ અંગે ભરૂચના જંગલ ખાતાનાં અધિકારી ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, દાંડીયાત્રાને 90 વર્ષ થઈ ગયા હોવા છતાં તે સમયનાં ઘટાદાર વૃક્ષો આજે અંદાજે 125-150 વર્ષ થવા છતાં પણ હયાત છે. કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર થનારાં ભરૂચ જિલ્લાનાં 6 વૃક્ષોના નિરીક્ષણ અર્થે આગામી સમયમાં ટીમ મુલાકાત લેશે.
ગાંધીજી જ્યાં જતા ત્યાં તીર્થ બની જતું, રાત રોકાતાં ત્યાં મંદિર બની જતું
“મહાત્મા ગાંધીજી જ્યાં જતા ત્યાં તીર્થ બની જતું અને રાત્રી રોકાણ કરતા ત્યાં મંદિર બની જતું”, જવાહરલાલ નહેરૂના આ શબ્દોનું સ્મરણ કરાવતા સાહિત્યકાર ગુણવંત શાહે જણાવ્યું હતું કે, જંબુસરમાં પંડિત જવાહરલાલ નહેરૂ અને મોતીલાલ નહેરૂ ગાંધીજીની સલાહ લેવા આવ્યા હતા. અલાહાબાદનું આનંદ ભવન જાહેર સંસ્થામાં ફેરવી દાનમાં આપવાની ઇચ્છા હતી. જે અંગે ગાંધીજીએ મંજૂરી આપતાં કાર્ય પૂર્ણ કર્યું હતું. જવાહરલાલ નહેરૂએ પોતાની આત્મકથામાં આ વર્ણન કર્યું છે. જંબુસરના લોકોને આ ધરોહર અંગે જાણકારી નથી. કોંગ્રેસને માત્ર નહેરૂની વાહ-વાહ અને ગુણગાન થાય તેમાં જ રસ હતો. આ કાર્ય કોંગ્રેસની સરકાર સમયે જ થવું જોઈતું હતું. સરકારના આ પ્રયાસથી લોકોને માહિતી મળશે અને દેશની ધરોહરનું રક્ષણ થશે.
ભરૂચ જિલ્લામાં કયા વૃક્ષ નીચે સભા કરાઈ હતી?
તાલુકો | ગામ | વૃક્ષનું નામ |
જંબુસર | વેડચ | વડ |
જંબુસર | ગજેરા | વડ |
જંબુસર | કારેલી | વડ |
આમોદ | બુવા | વડ |
ભરૂચ | ત્રાલસા | ખાટી આમલી |
અંકલેશ્વર | રાયમા | વડ |
કયા કયા જિલ્લાનાં વૃક્ષ લોકેટ થયાં?
- અમદાવાદ સાબરમતી આશ્રમ
- ખેડા વાસણા, માતર
- સુરત દેલાડ, ડીંડોલી, વનઝ
- નવસારી ખરાડી, દાંડી
- ભરૂચ કારેલી, વેડચ, ગજેરા, અણખી, બુવા, ત્રાલશા, માંગરોલ
- આણંદ બોરીયાવી, આણંદ, રાસ, કંકાપુર