લોકડાઉનને લીધે જમ્મુમાં ફસાઈ ગયેલા જામનગરના યાત્રિકો પરત

જામનગર, તા. 26 એપ્રિલ 2020 રવિવાર

કતરા(જમ્મુ)માં લોકડાઉનના કારણે ફસાયેલા જામનગરના યાત્રીકોમાંના એક ગ્રૂપના 11 સભ્યો શનિવારે રાત્રે જામનગર પરત આવી પહોંચતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. તેમના સૌના ઉતારા સહિતની જરૂરી તેમ જ બાદમાં તબીબી પરીક્ષણ અને આગળની કાર્યવાહીઓ તંત્રએ સમરસ હોસ્ટેલ -ઠેબા ચોકડીના સ્થળે હાથ ધરી હતી.

ફસાયા હતા ત્યાંથી યાત્રીકોએ સંસદસભ્યનો સંપર્ક કરી મદદ માગી હતી. સાંસદે કેન્દ્રીય ગૃહમંત્રીને રજુઆત કરી તમામ યાત્રીકો જામનગર તેમના વતન પરત આવી શકે તે માટે જરૂરી પરમિશન આપવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી ભારપૂર્વકની માંગણી કરી હતી. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયએ જરૂરી કાર્યવાહીઓ અને હુકમો કરતા કતરા(જમ્મુ)ના સત્તાવાળાઓએ જરૂરી પરમિશનની પ્રક્રિયા કરી હતી.